શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી: પુષ્ટિમાર્ગના પ્રણેતા

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

एकम शास्त्रम देवकी पुत्रम गीतम, एको देव देवकीपुत्र एव।

मंत्रोड़पी एकः तस्यनामानियान, कर्मोपी एकम तस्य देवस्य सेवा।।

લોકવાયકા પ્રમાણે જગન્નાથ પ્રભુએ પ્રમાણિત કરેલા આ શ્લોકનો પ્રચાર અને પ્રસાર કરનાર પરમપાવન વલ્લભાચાર્યજીનો જન્મ અલૌકીક રીતે વિક્રમ સવંત 1535ના ચૈત્રવદ અગિયારસના દિવસે છતીસગઢના ચૌડા ગામ પાસે ચંપારણ્ય વનમાં થયો હતો.

મહાપ્રભુજીના જન્મ સમયે એમના નાનકડા દેહને મૃત ગણી તેમના માતાપિતા તેમને વસ્ત્રમાં લપેટી ખીજડાના વૃક્ષની બખોલમાં ત્યજી દીધા હતા. તેમણે વૃક્ષની આસપાસ ઝાડી-ઝાંખરાં સળગાવ્યા.અગ્નિની ગરમીના કારણે બાળકમાં દિવ્ય ચેતન આવ્યું અને તેના રડવાનો અવાજ સંભળાયો. તેમના માતા પિતા ખુશ થઈને પુત્રને ઘરે લઈ આવ્યા.

બાળવલ્લભને પાંચ વર્ષની આયુમાં અક્ષર આરંભ કરાવવામાં આવ્યો, તેમજ યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. બાળવલ્લભની લીલા પણ અલૌકિક હતી. તેઓ સદા પ્રભુભક્તિમાં જ લીન રહેતા. તેમણે કાશીમાં જઈને વિધ્યાભ્યાસ પૂરો કર્યો હતો.

મહાપ્રભુજીની વિદ્વતા એવી હતી કે, તેઓ જ્યાં જતાં ત્યાં માનવ મેદની તેમને સાંભળવા એકઠી થતી. મહાપ્રભુજીએ ત્રણ વાર ભારતની પરિક્રમાં કરી હતી. મહાપ્રભુજી જ્યારે 30 વર્ષના થયા ત્યારે તેમની માતાની ઇચ્છાને માન આપી, તેમણે કાશીના દેવેન ભટ્ટના પુત્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા.

સંવત 1549ના રોજ મહાપ્રભુજી ગોકુળમાં યમુના નદીના કિનારે આરામ કરતાં હતા, ત્યારે ભગવાને સ્વયં પ્રગટ થઈ તેમને આશીર્વાદ આપ્યા. મહાપ્રભુજીએ સર્વને પોતાની પુત્ર પરંપરામાં દીક્ષા દેવાનો અધિકાર આપ્યો. દીક્ષાર્થી ભક્ત ‘વૈષ્ણવ’ કહેવાયા.

ગોવર્ધન પર્વત પર ગોવર્ધન ધરણનું પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજી એ પ્રભુનું વહાલસોયું નામ ‘શ્રીનાથજી’ પાડ્યું. મહાપ્રભુજીએ વ્રજભૂમિમાં બાર વનોની પરિક્રમા કરી, ત્યારથી વૈષ્ણવોમાં દ્વાદશવની કરવાનો રિવાજ શરૂ થયો.

બાદશાહ સિકંદર લોદીને મહાપ્રભુજી માટે ખૂબજ માન હતું, તેથી તેમણે મહાપ્રભુજીનું તૈલચિત્ર બનાવડાવ્યું હતું. જેની એક નકલ કિસનગઢ અને એક નકલ કાંકરોલીમાં રાખવામાં આવી છે. મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગનો મહિમા સમજાવ્યો હતો. તેમણે પ્રભુભક્તિમાં લીન રહી ડોકમાં તુલસીની કંઠી ધારણ કરી ઉધ્વપુંડ તિલક કર્યું. તેઓએ લોકોને એકાદશીના વ્રત કરવા, ભાગવત ધર્મનું આચરણ કરવા, પ્રભુસેવા કરવા, ઇન્દ્રિયોને કાબુમાં રાખવા અને નીતિ અને નમ્રતાથી રહેવાનો ઉપદેશ આપ્યો હતો.

મહાપ્રભુજીએ અનેક ભક્તોને દીક્ષા આપી હતી. તેમના શિષ્યવૃંદમના 84 મહાનુભાવો વૈષ્ણવ સંપ્રદાયમાં જાણીતા છે. વલ્લભાચાર્ય ભારત ભ્રમણ વખતે જ્યાં જ્યાં જતાં ત્યાં ભાગવત પારાયણ કરતાં. જે સ્થળો ‘મહાપ્રભુજીની બેઠક’ તરીકે ઓળખાય છે.

સવંત 1587ની અષાઢ સુદ બીજ-ત્રીજના પાવન દિવસે રથયાત્રાના સમાપન સાથે મહાપ્રભુજીએ જળ સમાધિ લીધી. જલસમાધિની સાથે જ એ જ્યોતિ પરજ્યોતિમાં જઈને ભળી ગઈ. મહાપ્રભુજીએ મૃત્યુ સમયે જે ઉપદેશ આપ્યો તે વચનો ‘શિક્ષા શ્લોક’ અને ‘અંતિમ વસિયતનામું’ તરીકે જાણીતા છે.

જય શ્રી કૃષ્ણ…

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!