જાણો સ્થાનિક ચૂંટણીમાં એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવું શા માટે જરૂરી છે?

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે બધા જાણીએ છીએ કે, 21મી જુલાઇ રવિવારના રોજ આપણાં શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે, જે રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનું મહત્વ છે તે જ રીતે સ્થાનિક ચૂંટણીમાં પણ મતદાન કરવું ખૂબજ જરૂરી છે. પણ શા માટે સ્થાનિક ચૂંટણીમાં મતદાન મહત્વનું છે અને તે આપણી રોજબરોજની જીવનશૈલી અને રહેણી-કહેણી પર કઈ રીતે અસર કરી શકે? એ પણ જાણવું ખૂબજ જરૂરી છે. તો આવો પહેલા મહાનગરપાલિકા વિશે થોડું ટૂંકમાં જાણીએ…

પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા મોટા નગરોમાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે “મહાનગરપાલિકા”. તેમાં સભ્ય સંખ્યા સામાન્ય રીતે વસતીના ધોરણે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે અને ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયરની ચુંટણી દર અઢી વર્ષે કરવાની હોય છે.

મહાનગરપાલિકાના ચૂંટાયેલા બહુમતી સભ્યોએ અને વિવિધ સમિતિઓએ લીધેલા નિર્ણયનો અમલ કરવાની કામગીરી મ્યુનિસિપલ કમિશ્નર કરે છે, કે જેની રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હોય છે. મહાનગરપાલિકાના બીજા અધિકારીઓ જેવા કે; મુખ્ય ઇજનેર, આરોગ્ય અધિકારી, કરવેરા અધિકારી તેમજ અન્ય અધિકારીઓ તેમના માર્ગદર્શન અને સલાહ સૂચનો અનુસાર પોતાની ફરજો બજાવે છે.

ચૂંટાયેલા સભ્યો માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. જેમાં કારોબારી સમિતિ સૌથી મહત્વની છે. ગુજરાત રાજ્યમાં આઠ મહાનગરપાલિકાઓ અસ્તિત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાર્યોની યાદી બનાવીએ તો, એ આ પ્રમાણે છે.

મુખ્ય કાર્યો જેવા કે; જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ બાંધવાને નિભાવવા, રસ્તા પર સ્ટ્રીટલાઈટ વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, નાગરિક સલામતીને સંરક્ષણના કાર્યો, ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, દવાખાના અને આરોગ્ય કેન્દ્ર ચલાવવા, જન્મ-મરણની, લગ્નની નોંધણી રાખવી વગેરે. તદુપરાંત રમત-ગમતના મેદાનો, બાગ બગીચા, જાહેર સ્નાનાગાર, જાજરૂ, સ્મશાન ગૃહની વ્યવસ્થા ઊભી કરી અને નિભાવવી, પુસ્તકાલયો, વાંચનાલયો, માધ્યમિક શાળાઓ વગરેની સ્થાપના અને નિભાવ, વૃક્ષારોપણ, ટાઉન હોલ બનાવવા, વરસાદી પાણીનો ઝડપથી નિકાલ વ્યવસ્થા, જાહેર વાહન વ્યવહારની સગવડ કરવી, શાકમાર્કેટ, પ્રસુતિગૃહ, અતિથિગૃહ, મનોરંજન વ્યવસ્થા કરવી જેવા ગૌણ કાર્યો પણ મહાનગરપાલિકાની જવાબદારીઓમાં આવે છે.

ઉપરાંત નાગરિકોના કલ્યાણ અને સગવડ માટે જરૂર લાગે તેવા કામ હાથ ધરવા. આ કાર્ય કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિવિધ નાણાંની જરૂર પડે છે અને એ નાણાં અને આવકના સાધનોએ પાણીવેરો, શિક્ષણવેરો, વાહનવેરો જેવા વેરાઓમાંથી, ધંધા વ્યવસાય માટે અપાતા પરવાનગીથી સંસ્થાની મિલકતો જેવી કે; દુકાનો, શાકમાર્કેટ, મકાનો વગેરે નાણામાંથી થતી આવક, મકાનો અને જમીન પરના વેરાઓ, મનોરંજન કર, દુકાનો હોટેલો સફાઈવેરો અને સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ વગેરે નાણાંના મુખ્ય સ્ત્રોતો છે.

તો સામાન્ય નાગરિકે ભરેલા વેરાનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા નાગરિક અને શહેરના વિકાસ માટેના કાર્યો હાથ ધરે છે, એટલે મહાનગરપાલિકામાં યોગ્ય સભ્યોની નિમણૂક થાય એ માટે શહેરનો દરેક નાગરિક જવાબદાર હોય છે કે, જે મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. લોકશાહીએ આપણા મતદાન પર નિર્ભર છે, તો ચાલો આપણે સૌ ભેગા મળી આપણા શહેરના યોગ્ય વિકાસ માટે અચૂકપણે મતદાન કરી આપણી જવાબદારી નિભાવીએ…

Author: Kalpit Chandpa(“કસુંબી”) #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!