જાણો અમદાવાદમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા પાછળનો સુંદર માર્મિક ઇતિહાસ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ ભગવાનના મંદિરમાં દર્શન કરવા અને ભગવાન પાસે કઇંક માંગવા તો રોજ જઇએ જ છીએ, પરંતુ આખા વર્ષમાં એક દિવસ એવો આવે છે, જ્યારે ભગવાન પોતેજ પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે અને એ દિવસ છે અષાઢી બીજનો પવિત્ર દિવસ. ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે.

રથયાત્રા પાછળની કથા અનુસાર એવું માનવામાં આવે છે કે, એકવાર દેવી સુભદ્રા પોતાના સાસરેથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં. સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે.

અષાઢીબીજના દિવસે એટલે કે, 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી. દર વર્ષે જમાલપુરમાં આવેલાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ 14 કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં 18-20 હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

રથયાત્રા સવારે 7.00 વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ ‘પહિંદ વિધી’ કરે છે. સાંજે 8.30 વાગ્યાની આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે 18 થી 20 શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે.

શું તમને ખબર છે, સરસપૂર ભગવાનનું મોસાળ કઈ રીતે બન્યું? 140 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુ-સંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ-સંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહેવાસીઓ રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહાભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે.અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagad

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!